ભારત દેશમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ, તેનાથી થતી તકલીફો અને જાગૃત

ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ, તેનાથી થતી તકલીફો અને જાગૃતિ

કેન્સર એટલે મર્યા… કેન્સર એટલે કેસ ખલ્લાસ… આપણે બધાએ આ શબ્દો આપણા કોઈ સગા-સંબંધી, પાડોશી કે મિત્રોના મોઢે એક વાર તો સાંભળ્યા જ હશે… કારણ કે કોઈપણ સામાન્ય વ્યક્તિ કેન્સરને જીવનનું અંતિમ કડવું સત્ય માની બેસે છે. એવું સત્ય કે દર્દીને કેન્સર કરતા તેનો ડર વધુ ખોખલો કરી નાખે છે. કેન્સરમાં કાં તો પૈસા જાય છે, કાં તો જીવ! પણ ના, હવે તેવું નથી રહ્યું! પાછલા થોડા વર્ષોમાં દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્થિતિ સુધરી છે. પહેલાનો આ અસાધ્ય રોગ હવે સાધ્ય બન્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરનું નિવારણ શક્ય બન્યું છે અને લોકોની જિંદગી બચાવી શકાય છે. 

કેન્સરના ઘણા બધા પ્રકારોમાંનું એક છે ગર્ભાશયના મુખનું કેન્સર (Cervical Cancer). ભારતમાં આ સર્વિકલ કેન્સરનું પ્રમાણ એટલું બધુ છે કે, મહિલાઓની કેન્સરની સૂચિમાં બીજા નંબરે સ્થાન પામે છે. આ કેન્સરનો મૃત્યુ દર, દેશમાં કેન્સર સંબંધિત તમામ મૃત્યુમાં લગભગ 10% હિસ્સો ધરાવે છે અને મૃત્યુ દરમાં ત્રીજા નંબરે આવે છે. વર્ષ 2020માં આશરે 1,25,000 જેટલા સર્વિકલ કેન્સરના કેસ નોંધાયા હતા અને તેમાંથી 75000 જેટલી મહિલાઓ મૃત્યુ પામી હતી. (Source: cancerindia.org.in) મહિલાઓના કેન્સરમાં 18.3% કેસ ફક્ત સર્વિકલ કેન્સરના હોય છે. એક સર્વે અનુસાર, દુનિયામાં દર 11 આઠ મિનિટે સર્વિકલ કેન્સરના કારણે એક મહિલાનું મૃત્યુ થાય છે. મુખ્યત્વે 40 કરતાં વધુ ઉંમરની મહિલાઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. શહેર કરતા ગામડાની મહિલાઓ આ રોગનો વધુ ભોગ બને છે અને જાગૃતતાના અભાવના કારણે અનેક મહિલાઓ આ જીવલેણ બીમારીમાં સપડાય છે અને પછી પૂરતું ધ્યાન ન આપતા મૃત્યુને ભેટે છે. 

આ કેન્સર થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. તેના પર એક નજર કરીએ, 

કારણો 

  • વધુ બાળકો  
  • HIV સંક્રમણ 
  • અસુરક્ષિત સંભોગ 
  • નબળી રોગ પ્રતિકારક શક્તિ 
  • એક કરતાં વધુ લોકો સાથે શારીરિક સંબંધો 
  • નાની ઉંમરમાં બાંધવામાં આવતા શારીરિક સંબંધો 
  • ટૂંકા સમયગાળામાં થયેલા વધુ બાળકોના કારણે ગર્ભાશયના મુખને થયેલી ઇજા 

પૂરતી માહિતી વગર અને અસમજણમાં બાંધવામાં આવેલા શારીરિક સંબંધો સર્વિકલ કેન્સર જેવા ગંભીર રોગનું કારણ બને છે. આજનો સમય ફાસ્ટ ફોરવર્ડ બન્યો છે. આ સમયમાં છોકરા-છોકરીઓ અજાણતા અસુરક્ષિત યૌન સંબંધો બાંધે છે. ઉપરાંત એક કરતાં વધુ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે. આ કારણોના લીધે ક્યારેક જીવથી હાથ ધોવાનો વારો આવી શકે છે. જો કે, નબળી ઇમ્યુનિટી સિસ્ટમ અને HIV સંક્રમણ પણ આ કેન્સરના ભોગ બનવાનું કારણ બની શકે છે. 

આ કેન્સરનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) છે. પણ, આ વાયરસને કેન્સરમાં તબદીલ થતા 10-15 વર્ષનો સમય લાગે છે. જો આ વાયરસને શરૂઆતના સ્ટેજમાં જ ડિટેક્ટ કરી યોગ્ય પગલા ભરવામાં આવે તો આ ગંભીર રોગથી બચી શકાય છે. 

આ વાયરસના અમુક લક્ષણો વિશે વાત કરીશું, જે બિલકુલ અવગણવા ન જોઈએ.  

લક્ષણો 

  • પેટનો ફુગાવો 
  • અસામાન્ય થાક 
  • ગંદુ પાણી આવવું 
  • અસામાન્ય રક્ત સ્ત્રાવ 
  • મહિના વચ્ચે રક્ત સ્ત્રાવ 
  • પીઠ અથવા પેટમાં દુખાવ 
  • યૌન સંબંધ બાદ રક્ત સ્ત્રાવ 
  • વારંવાર અને તાત્કાલિક પેશાબ 
  • યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા 

આવા અનેક લક્ષણો છે જેનો અનુભવ મહિલાઓ કરે છે, પણ તે આ લક્ષણોને સામાન્ય ગણીને અવગણે છે. પરંતુ આ લક્ષણો જરા પણ સામાન્ય નથી, જો તમે આવા કોઈ લક્ષણો અનુભવી રહ્યા છો તો તુરંત ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 2 મિનિટના એક સામાન્ય ટેસ્ટથી પોતાને આ જીવલેણ બીમારીથી બચાવી શકાય છે.  

જો લક્ષણો સમજીને શરૂઆતમાં જ આ વાયરસનો ઉપચાર કરવામાં આવે તો કોઈ મોટા ઓપરેશન વગર સામાન્ય રીતે દર્દીને વાયરસ મુક્ત કરી શકાય છે. બાયોપ્સી ટેસ્ટ દ્વારા આ વાયરસના સ્ટેજની તપાસ કરવામાં આવે છે. MRI તથા Ultrasoundની મદદથી વાયરસની અસર જાણી શકાય છે. જો વાયરસનો ફેલાવો ફક્ત ગર્ભાશય સુધી જ હોય તો ગર્ભાશય રિમૂવ કરીને દર્દીને કેન્સરથી બચાવી શકાય છે. ત્યારબાદ દર્દીને કોઈ ઇલાજની જરૂર રહેતી નથી અને ફક્ત 15-20 દિવસમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. 

જો લક્ષણો જણાય અને છતાં પણ તપાસ કરવામાં મોડું કરવામાં આવે અને બીમારી બીજા કે ત્રીજા સ્ટેજ પર પહોંચી જાય, તો રેડીએશન કે હલ્કી કીમોથેરાપીની મદદથી જ ઉપચાર કરવો પડે છે. આ કેસના 60-70% દર્દીઓ વિના કોઈ તકલીફ, એકદમ સરળતાથી પોતાનું પૂરું જીવન વિતાવે છે. 

આ કેન્સરથી ગભરાવાની જરા પણ જરૂર નથી, જો લક્ષણો જણાય અને તુરંત સારવાર કરવામાં આવે તો પછી કોઈ ચિંતાનો વિષય રહેતો નથી. હવે તો આ વાયરસથી બચવા માટે અગમચેતી રૂપે તેની વેક્સિન પણ ઉપલબ્ધ છે. જો સમાજ જાગૃત બની કેન્સરગ્રસ્ત દર્દીને કદમોકદમ સાથ આપે તો આપણે આ કેન્સરને ભારત દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકે છે. ફક્ત યોગ્ય ઉંમરે વેક્સિન લઈને પણ આ કેન્સરની સંભાવના ટાળી શકાય છે. 

અiગમચેતી માટે ધ્યાનમાં રાખવા જેવા પગલા 

  • પેપ સ્મિયર ટેસ્ટ 
  • હ્યુમન પેપીલોમાવાયરસ પરીક્ષણ 
  • સુરક્ષિત યૌન સંબંધ 
  • મર્યાદિત વ્યક્તિ સાથે યૌન સંબંધ 
  • ધુમ્રપાન છોડવું 
  • વેક્સિનેશન 

બસ થોડી સાવચેતી અને જાગૃતતા વડે આ કેન્સર સામે લડી શકાય છે. ફક્ત 2 મિનિટના એક ટેસ્ટ વડે વાયરસ વિશે જાણી શકાય છે. એક વાર પેપ સ્મિયર ટેસ્ટ કરાવ્યા બાદ જો ટેસ્ટ ક્લિયર આવે તો 3 કે 5 વર્ષ સુધી ટેસ્ટ કરાવવાની પણ જરૂરિયાત રહેતી નથી. સુરક્ષિત અને લિમિટેડ વ્યક્તિ સાથે યૌન સંબંધ રાખવાથી પણ આ વાયરસનું જોખમ ટળે છે. ધુમ્રપાન પણ અનેક કેન્સરનું કારણ બને છે, તેથી ધુમ્રપાન છોડીને આરોગ્યપ્રદ ફળફળાદી આરોગવામાં આવે તો તે પણ આ વાયરસ સામે લડવામાં  મદદ કરે છે. અને જો કોઈ જીનેટિક્સના કારણે આ વાયરસનો સામનો કરી રહ્યું હોય તો વેક્સિનેશનની મદદથી કેન્સરના જોખમને ટાળી શકાય છે.  

જો નાની ઉંમરે જ અગમચેતી રૂપે વેક્સિન લેવામાં આવે તો આપણે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ ડરવાની જરૂર રહેતી નથી. આજે બજારમાં પ્રિકોશન રૂપે HPV વેક્સિન અને ભારત દ્વારા જ બનાવેલી qHPV વેક્સિન પણ ઉપલબ્ધ છે. આ વેક્સિન 9થી 25 વર્ષની આયુ દરમિયાન લઈ શકાય છે. આમ તો 45 વર્ષ સુધી પણ વેક્સિન લઈ શકાય છે, પણ તેમાં અસરનું પ્રમાણ બહું ઓછું હોય છે. 

Globocan ના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં સર્વિકલ કેન્સરના 604,100 કેસ નોંધાયા હતા અને 341,831 દર્દીઓનું મૃત્યુ થયું હતું. જો કે પાછલા 25 વર્ષોમાં ભારતમાં સર્વિકલ કેન્સરના કેસમાં આશરે 40% નો ઘટાડો થયો છે. છતાં ભારતના 12 રાજ્યોમાં સર્વિકલ કેન્સર મહિલાઓની મૃત્યુનું બીજા નંબરનું અગ્રણી કારણ છે. 

થોડી જાગૃતતા અને ફક્ત પેપ સ્મિયર ટેસ્ટ અને વેક્સિનેશનની મદદથી પણ આપણે આ જીવલેણ કેન્સર સામે લડત લડી શકીએ છીએ. મક્કમ અને સહયોગપૂર્ણ લડતથી કેન્સરને હરાવવું શક્ય છે. 

 

Need Help?

Call Us

Blogs